16 January 2014

ચૂંટણીલક્ષી નિર્ણય



લઘુત્તમ પેન્‍શન ૧૦૦૦ થશે : સરકાર ચૂંટણીલક્ષી નિર્ણય લેશે
૨૭ લાખ પેન્‍શનરોને થશે લાભ : આ મહિને ૪ જાહેરાત
નવી દિલ્‍હી : લોકસભાની ચૂંટણી પહેલા સરકાર એક દરખાસ્‍ત મંજૂર કરવા માગે છે જેનાથી ફોર્મલ સેક્‍ટર વર્કરો તત્‍કાળ ઓછામાં ઓછું રૂ. ૧૦૦૦નું પેન્‍શન મેળવવા હકદાર બનશે. આનાથી ૨૭ લાખ પેન્‍શનરોને લાભ થશે.
રૂ. ૧૦૦૦થી ઓછું પેન્‍શન મેળવનારા ૨૨ લાખ સભ્‍ય પેન્‍શનરો અને પાંચ લાખ વિધવાઓ છે. બધું મળીને
૪૪ લાખ પેન્‍શનરો છે. ૨૦૧૩ની ૩૧મી માર્ચ સુધીના આ આંકડાઓ છે. કામદાર ખાતાએ લઘુતમ પેન્‍શન માટેની દરખાસ્‍ત સુધારી છે અને દર મહિને લઘુતમ પેન્‍શન રૂ. ૧૦૦૦ કરવા સૂચવ્‍યું છે. આ દરખાસ્‍ત ગયા સપ્તાહમાં નાણાં ખાતાને સુપરત કરવામાં આવી છે અને આ મહિનામાં આ અંગે નિર્ણય લેવામાં આવે એવી વકી છે, એમ સત્તાવાર વર્તુળોએ જણાવ્‍યું છે.
એમ્‍પ્‍લોઈઝ પેન્‍શન સ્‍કીમ ૧૯૯૫ (ઈપીએસ-૯૫) હેઠળ લદ્યુતમ પેન્‍શન મહિને રૂ. ૧૦૦૦ કરવાની ખાતા દ્વારા દરખાસ્‍ત થઈ છે. એમ્‍પ્‍લોઈઝ પ્રોવિડન્‍ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) દ્વારા આ પેન્‍શન યોજના અમલમાં છે. આ દરખાસ્‍ત લાંબા સમયથી પેન્‍ડિંગમાં હતી. કામદાર ખાતાએ તેની આ દરખાસ્‍ત માટે દર વર્ષે વધારાનું રૂ. ૧૩૦૦ કરોડનું ફંડ પૂરું પાડવા જણાવ્‍યું છે.
આ ઉપરાંત સરકારે એમ્‍પ્‍લોઈઝ પ્રોવિડન્‍ટ ફંડ સ્‍કીમ હેઠળ બેઝિક પગારની ટોચમર્યાદા જે હાલ રૂ. ૬૫૦૦ છે તે વધારીને રૂ. ૧૫૦૦૦ની કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
આ પહેલા ખાતાએ દર મહિને લઘુતમ પેન્‍શન રૂ. ૧૦૦૦નું કરવા માટે સબ્‍સિડી વધારીને બેઝિક પગારના ૧.૧૬ ટકાને બદલે ૧.૭૯ ટકા કરવા સૂચવ્‍યું હતું પણ નાણાં ખાતાએ આ સૂચનની તરફેણ કરી નહોતી કારણ કે સરકાર દ્વારા અપાતી સબ્‍સિડીમાં કાયમી વધારાથી સરકારી તિજોરી પરનો બોજો વધી જાય.